અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

Share it via

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ઘણા જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

5 thoughts on “અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા”

  1. આ તો જાણે આઠે પ્હોર આનંદ -ગઝલરૂપ લઇ.

    Reply
  2. આ તો જાણે આઠે પ્હોર આનંદ -ગઝલરૂપ લઇ.

    Reply

Leave a Comment

error: Content is protected !!