અમને કોની રે સગાયું આજ સાંભરે – દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે.
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઉમટે
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો
આઘે લે’ર્યું ને આંબી કોણ ઊઘાડે
કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખરા ઊગે રે સૂની શેરીએ
ચલમ-તણખા ઉડે રે જૂની ધૂણીએ
અમને દાદા દેખાય પેલી ડેલીએ
કોની રે સગાયું આજ સાંભરે

માંડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે
ખરતાં હાલરડાં ઝૂરે રે અદ્ધર ટોડલે
ઉંચે મોભને મારગ કોણ ઊતરે
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

– દલપત પઢીયાર


Leave a Comment

error: Content is protected !!