એકલા છીએ તો… રમેશ પારેખ

Share it via

કોઈ કહે ન – ઊઠ, કે કોઈ કહે ન – બેસ !
મનને કહું કે એકલા છીએ તો શાનો કલેશ ?

તું કાયમી વિદાય લઈ જાય છે ? તો, જા !
રસ્તામાં વાગે ના તને સ્મરણોની કોઈ ઠેસ

પંખીને કોઈ હોય ના સરહદનાં બંધનો
એને પડે પસંદ જગ્યા જે – એ એનો દેશ !

મારી જીવનકિતાબનાં પાનાઓ હોય એમ
ખુલ્લી હવામાં ફરફરે સોનેરી તારા કેશ !

જો આવવું જ હો તો ગમે ત્યાંથી આવી પડ !
ખુલ્લાં છે બારી, બારણાં, મન, આંખ ને રવેશ.

ફાટેલી કંથા જોઈ બહિષ્કાર કાં કરો ?
પહેર્યો છે ક્યાં મેં ચ્હેરા પર કોઈ ઠગારો વેશ ?

દરિયો લઈને વ્હેંચવા નીકળ્યો શહેરમાં
એ ખારવો – કે લોક જેને કહેતા’તા રમેશ !

રમેશ પારેખ

Leave a Comment

error: Content is protected !!