કંઠી પ્હેરે – ભરત ભટ્ટ ‘પવન’

કોઈ સાચી ને શ્રદ્ધાની કંઠી પ્હેરે
કોઈ ખોટી ને દેખાડાની કંઠી પ્હેરે

મોંઘામાની કંઠી પ્હેરે માણસ મોટા
નાના માણસ તો સપનાની કંઠી પ્હેરે

કોઈ પ્હેરે કિસ્મતનું માદળિયું-તાવીજ
કોઈ ખાલી પરસેવાની કંઠી પ્હેરે

રાજીપાની કંઠી પ્હેરે કોઈ કાયમ
કોઈ કાયમ ખાલીપાની કંઠી પ્હેરે

પોતે કંઠી પ્હેરી રાખે વાંધો ક્યાં છે?
એ તો કંઠી પ્હેરાવાની કંઠી પ્હેરે

મન ફાવે એવી કંઠી સૌ પ્હેરે લોકો
કંઠી પોતે પસ્તાવાની કંઠી પ્હેરે

કંઠી ઉર્ફે કુંડાળું ને વાડાબંધી
માણસ એમાં બંધાવાની કંઠી પ્હેરે

ભરત ભટ્ટ ‘પવન’

Leave a Comment

error: Content is protected !!