કોઈને ક્હેશો નહીં – ગૌરાંગ ઠાકર

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં.

આંખને બદલે હૃદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઈને ક્હેશો નહીં.

શબ્દ કેવળ દૃશ્યથી કૈં શ્લોક થઈ જાતો નથી,
ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં.

બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,
જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ મારું જોઈને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઈને ક્હેશો નહીં.

એક વેળા ઈશ્વરે પૂછયું તને શું જોઈએ?
માગવામાં છેતરાયો, કોઈને ક્હેશો નહીં.

ગૌરાંગ ઠાકર

Leave a Comment

error: Content is protected !!