જનનીની જોડ સખી નહીં જડે રે

Share it via

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

બોટાદકર દામોદર ખુશાલદાસ (જન્મ: નવેમ્બર ૨૭, ૧૮૭૦ મૃત્યુ: સપ્ટેમ્બર ૭, ૧૯૨૪)

જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. તેઓ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.

કલ્લોલિની (૧૯૧૨), સ્રોતસ્વિની (૧૯૧૮), નિર્જરિની (૧૯૨૧), રાસતરંગિણી (૧૯૨૩) તેમની પ્રમુખ રચનાઓ છે.

Leave a Comment

error: Content is protected !!