તને સઘળુંય સાંપડશે – નીતિન વડગામા

Share it via

જરા  તું  ઝુક  થૈ   ડાળી તને સઘળુંય  સાંપડશે,
પછી  રાજી  થશે  માળી તને સઘળુંય  સાંપડશે.

હશે  જો  ધાર  એની તો  જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવતને  કોદાળી તને સઘળુંય સાંપડશે.

અદબ વાળી અહીં તું સાવ ખાલી  હાથ કાં ઊભો ?
દઈ  દે  હાથમાં  તાળી  તને સઘળુંય  સાંપડશે.

પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ  છોડી  દે,
નદી  થૈ  જાને  નખરાળી તને સઘળુંય સાંપડશે.

ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહીં લાગે,
રહેશે  જાત   ઓગાળી  તને  સઘળુંય  સાંપડશે.

રટણ  તું  રોજ કરજે  હા, કદી તો  પ્રેમરસ  પાશે,
વરસશે સ્હેજ  વનમાળી તને સઘળુંય  સાંપડશે.

– નીતિન વડગામા

Leave a Comment

error: Content is protected !!