તરસની આબરૂ – ખલીલ ધનતેજવી

Share it via

અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે,
હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે.

સમસ્યા ક્યાં હતી કૈ માનવીના આગમન પહેલાં,
બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે.

કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે,
નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે.

ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા માટે,
ઘણા ખમતીધરોની આબરૂ ખાડામાં ઊતરી છે.

તમે મારા હૃદયમાં એમ આવીને પ્રવેશ્યા છો,
કે જાણે કોઈ પાગલ આગ આ તણખામા ઊતરી છે.

હવે દીવાઓ પણ ભડકે ચડી પડદાઓ સૂંઘે છે,
હવા પણ વાળ છુટ્ટા વીંઝતી રસ્તામાં ઊતરી છે.

‘ખલીલ’ આજે તરસની આબરૂ સચવાય તો સારું,
બિચારી એકલી પાણી પીવા કૂવામાં ઊતરી છે.

ખલીલ ધનતેજવી

Leave a Comment

error: Content is protected !!