પનઘટે છલકાતી ગાગર સાંભરે

પનઘટે છલકાતી ગાગર સાંભરે
દીઊગે ને રોજ સહિયર સાંભરે

છેડલો ખેંચી શિરામણ માંગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે

સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,
આંખડી મલક્યાનો અવસર સાંભરે

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે

તાણ ભાભુજીએ કીધીતી નકર,
કોણ બોલ્યુંતું કે મહિયર સાંભરે?

મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!

error: Content is protected !!