મ્હેકયાં કરે છે – મહેશ દાવડકર

અહીં કોઈ ખુદમાં જ ડૂબ્યા કરે છે,
અને કોઈ ખુદને ઉલેચ્યા કરે છે.

અહીં સૂર્ય દરરોજ પૂછ્યા કરે છે,
હું છું તોય અંધારું લાગ્યા કરે છે?

અને માત્ર પથ્થરને પૂજયા કરે જે,
એ પથ્થર સમું રોજ જીવ્યા કરે છે.

ફૂલો ક્યાં કરે છે પવનની ખુશામત,
ફૂલો એમની રીતે મ્હેકયાં કરે છે.

શિખર પર ગયા ત્યાં ઘડીભર ખુશી થઈ,
હવે બીક પડવાની લાગ્યા કરે છે.

ખુશી જો મળે તો પ્રસાદી ગણીને,
અહીં કોઈ સૌને એ વહેંચ્યા કરે છે.

મહેશ દાવડકર

Leave a Comment

error: Content is protected !!