રાત પડે ને અંધકારના વડલે થાય સવાર,
સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.
સાત સમુદર સૂતાં, એના હોઠે આછાં હાસ,
ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ !
વનના કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત !
રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યાં કરે સચેત.
નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપ્નનાં દીપ,
અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ.
ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે ઘૂક !
ઘરનો દીવો ઓળાઓને માર્યાં કરતો ફૂંક !
અવાજની લૈ સોય વીંધતાં દિશા દિશાના કાન,
તમરાં આખી રાત મૌનનું વીંધ્યા કરે નિશાન.
અસ્તાચળથી ગબડ્યો સૂરજ, એની તીણી ચીસ,
આખી રાત દિયે પડઘાથી અંતરાલને ભીંસ.
ચંદ્રકાન્ત શેઠ