રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે – ઉદયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’

ઉદયન ઠક્કર

પુસ્તક :

અનુવાદ :

૧) અનુભૂતિ(સહસંપાદન) (ગુજરાતી કવિતાના મરાઠી અનુવાદ)
૨) અંગ્રેજી અનુવાદ – Duet of Trees

કાવ્યસંગ્રહ :

1) એકાવન (૧૯૮૭),
2) સેલ્લારા (૨૦૦૩),
3) ઉદયન ઠક્કરના ચૂંટેલા કાવ્યો (૨૦૧૩)
બાલસાહિત્ય : બાળવાર્તા–
૧) એન મિલાકે ટેન મિલાકે છૂ (૫ પુસ્તકો),
૨) તાક ધિના ધિન (૩ પુસ્તકો)

બાળકવિતા–

૧) હાક છીં હિપ્પો

સંપાદન :

૧) આસ્વાદ- જુગલબંધી,
૨) જેવી તારી ઢોલકી એવો મારો તંબૂરો

સન્માન :

૧) જયંત પાઠક પારિતોષિક (૧૯૮૭-૮૮),
૨) શ્રેષ્ઠ કવિતાસંગ્રહ પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી (૨૦૦૩),
૩) શ્રી ઉશનસ્ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૦૦૩),
૪) હરીન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ (૨૦૧૧)
૫) એનસીઈઆરટી નો શ્રેષ્ઠ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર
૬) રમેશ પારેખ કવિતા સન્માન

error: Content is protected !!