લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે,
સુગન્ધની સલૂણી ટપાલ ગમે.

આજકાલ ગુલાલ ગુલાલ ગમે,
સવિશેષ તમારો ખયાલ ગમે.

ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે,
વગડે છંટાતો રંગ લાલ ગમે.

કેસૂડાએ ક સુંબલ ક્રાન્તિ કરી,
ખાખરાનો મિજાજ જહાલ ગમે.

પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ ,
વસંતનો પૂરો મુદ્દામાલ ગમે!

ફૂલની સવારી પાલખીએ ચઢી,
કેસૂડાની કેસરી મશાલ ગમે.

કોઈ અહીં આવ્યું -ગયું વરણાગી ?
પવનને પૂછવો સવાલ ગમે.

પર્ણે પર્ણે ભ્રમરનો ગુંજારવ ,
ઝાંઝરની ઝીણી બોલચાલ ગમે.

error: Content is protected !!