વાત – મગનભાઈ દેસાઇ ‘કોલક’

મારે નથી ઝાઝેરું કહેવું,
નથી કાંઇ માગવું લેવું.

થોડીશી વાત છે કહેવી, વેરણ વીજળી જેવી.

હૈયું મારું ખૂબ ભરાયું,
જાણે ઘનઘોર છવાયું;

રહી ગઈ વાત રે કહેવી પ્રભાતના તારલા જેવી.

જીવી રહ્યો જિંદગી મારી,
વહી જાય જેમ રે વારિ,

મારે એની વાત છે કહેવી બુઝાતા દીવડા જેવી.

આવ્યો અહીં એકલો મારે,
જવું ક્યાં કેમ ને ક્યારે ?

રહી વાત શોચવી એવી કિનારે ડૂબવા જેવી.

તું જો પળવાર ઓ આવે,
મારું દિલ સહેજ રિઝાવે,

કહી દઉં વાતડી એવી, નથી કંઇ સુણવા જેવી.

ભલા ભાઈ આવને પાસે,
કરું બે બોલના પ્રાસે,

હશે મજા મોતની એવી, ડૂબી ગયા ગીતના જેવી.

Leave a Comment

error: Content is protected !!