શી રીતે સંતાડું તને – ખલીલ ધનતેજવી

લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

તું મારા દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહીં પાડું તને.

કાંઇ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહીં સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સુંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડુ તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને.

ઘર સુધી તું આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને?

તું ખલીલ, આકાશને થાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

ખલીલ ધનતેજવી

Leave a Comment

error: Content is protected !!