સજન ! પાંખો આપો તો અમે આવીએ…– વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળની કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

(જન્મ: ૧૩-૮-૧૯૫૫)

(કવિશ્રી વિનોદ જોશીના ચિત્ર માટે શ્રી પ્રજાપતિ શિલ્પી બુરેઠાનો આભાર)

error: Content is protected !!