આંસુનાં પણ નામ હતાં.

Share it via

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા એ ‘સૈફ’ છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

‘સૈફ’ પાલનપુરી

Leave a Comment

error: Content is protected !!