ગઝલ ~ જયેન્દ્ર શેખડીવાળા

Share it via

ભોમિયા ભોંઠા પડે એવું કરો,
આંસુની સરહદ જડે એવું કરો.

સૂર્યને મૂકી ચરણના તાળવે,
જળ ઉપર પગલાં પડે એવું કરો,

જળની ભાષામાં કિરણજે ઓચરે,
વાંચતાં એ આવડે એવું કરો.

ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાં
અશ્રુછાયા સાંપડે એવું કરો.

આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાં
શિલ્પ આંસુનાં ઘડે એવું કરો.

~ જયેન્દ્ર શેખડીવાળા

Leave a Comment

error: Content is protected !!