જળની જીભે – હ‌ર્ષદ ચંદારાણા

Share it via

ક્યાં લગ રૂઠયા રહેશો સાજણ ! આવો, આષાઢી નભના તમને સમ
નામ તમારું લઈ જળની જીભ કહૈ “ભીંજાવાની મ્હોરી છે મોસમ”

વીજલડીની દોરી છટકી, ને વાદળનો ઊંધો વળ્યો રે કોશ
મારો કુબો ભોં ભેગો કર્યો તો યે જળનું ઘટ્યું ના સ્હેજે જોશ

લોહીમાં વળ ખાતાં વમળો લો, શમી ગયાં, ગયાં ઊકલી કૈ કામ
સંભાર્યા એ હોડી થઈને વ્હેતાં જળમાં, નહીં ગયાં સૌ નામ

આપણા બેના ઝઘડામાં સાજણ ! બોલાવેલુ વાદળ થાય લવાદ
સૌ સંબંધોના ખેતરને હર્યા – ભર્યા કરતો વરસાવે વરસાદ

રંગો પર ઓવારેલા નભના હોઠે ઉમટ્યું મેઘધનુનું સ્મિત
આ હવાઓને કોણે સ્વર શીખવ્યા કે સૂરમાં ગાતી‌ થઈ ગઈ ગીત ‌!

પર્વત, ખીણો, મેદાનો ન્હાયા, ફરી પહેરવેશ લીલાછમ ‌વાઘા
આ રૂમ -ઝૂમ મોસમમાં સાજણ ! કેમ કરીને રહી શકો છો આઘા !

ક્યાં લગ રૂઠયા રહેશો સાજણ ! આવો, આષાઢી નભના તમને સમ‌
નામ તમારું લઈ જળની જીભ કહે “ભીંજાવાની મ્હોરી છે મોસમ”

હ‌ર્ષદ ચંદારાણા

Leave a Comment

error: Content is protected !!