તે સાચો કોઈ દી હોતો નથી – ભરત વિંઝુડા

Share it via

હોય નહીં સાચો તે સાચો કોઈ દી હોતો નથી,
એમનો ઉત્તર ખુલાસો કોઈ દી હોતો નથી !

એ મળે છે ત્યારે આપોઆપ મેળો થાય છે,
એટલે કે ત્યાં તમાશો કોઈ દી તો નથી !

આપણા ચહેરાની સામે જોઈને બોલ્યા કરે,
આયનો તેઓની સામો કોઈ દી હોતો નથી !

આંખને પૂછો તો કહેવાની કે છે વર્ષાઋતુ,
ત્યાં શિયાળો કે ઉનાળો કોઈ દી હોતો નથી !

જે કહેતા હોય એને ચન્દ્ર દેખાડો તમે,
હોય છે અરધો તે આખો કોઈ દી હોતો નથી !

ત્યાં જ અધવચ્ચે રહેવાનું મને મન થાય પણ,
માર્ગમાં એવો વિસામો કોઈ દી હોતો નથી !

  • ભરત વિંઝુડા

Leave a Comment

error: Content is protected !!