તો હું તને ક્યાંથી મળું ? – જવાહર બક્ષી

Share it via

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?

શાશ્વત મિલનથી.. તે સનાતન દૂરતાના સંભવોનું આંગણું આકાશ છું
નિશ્ચિતપણાનાં શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજજામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું સૌ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?

જળ છું,બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?

જવાહર બક્ષી

Leave a Comment

error: Content is protected !!