બે ચાર સ્વપ્ન – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Share it via

બે-ચાર સ્વપ્ન આંખો છે ટળવળ, તબીબ જો,
બેચેન રક્તમાં છે શું ખળખળ, તબીબ જો.

ચહેરો છે શાંત, ભીતરે હલચલ કશીક છે,
કણકણમાં લાગે છે કોઈ સળવળ, તબીબ જો.

મારું નસીબ મારાથી કરતું રહે રમત,
આ રોગ પણ ન હોય કોઈ છળ, તબીબ જો.

કહેવાય છે કે ભાગ્ય તો બદલાય પળ મહીં
તું નાડ મારી એટલે પળપળ, તબીબ જો.

આશા નથી મને કોઈ મારા પ્રયાસથી,
તારા પ્રયાસને મળે કંઇ ફળ, તબીબ જો.

મારી કથાઓ જેવું દવાઓનું થાય ના,
તન છે કે થાતું જાય છે નિર્બળ, તબીબ જો.

બેફામ દોડતા આ હ્રદયને તું ખાળવા,
આ મારી આંખથી તુંયે મૃગજળ, તબીબ જો.

છાતી ઉપર છે દર્દ તો છાતી તપાસ ના,
‘નાશાદ’નું એ કહેવું છે પાછળ તબીબ જો.

ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Leave a Comment

error: Content is protected !!