રમેશ પારેખ

Share it via

છેવટે પત્ર લખું છું તને…
મારે તને એ જ લખવું છે
કે મને પત્ર લખ,
જલદી લખ, પ્રિય !

તારા ફળિયાનો જૂઈમંડપ
હવે કેવોક છે ?

એવો ને એવો, ઘાટો ને સુગંધી ?

જૂઈમંડપ નીચે
પહેલીવાર તારી હાથ પર્સવાર્યો’તો
એ જૂઈનો સ્પર્શ લખજે મને.

તરણેતરનો મેળો યાદ છે ?
તને તંબૂની પાછળ ખેંચી જઈ
મેં કરેલું ચુંબન, પરાણે
તે ચુંબનની કંપ લખજે.

હજુ ય તારાપ્રલંબસઘન કેશરાશિને સંમાંર્જતી તું
ગુંચમાં ફસાયેલી કાંસકીનો 
રીંસથી ઘા કરી દે છે ?

તું પત્ર કેમ નથી લખતી
તેનાં કારણો જાણું ચુ,
-તને તારા કેશ કનડતા હો છે.
-ઝાંઝરીની ખોવાયેલી ઘૂઘરી શોધતી હોય છે તું
-જુઈમંડપમાં ઉઘડેલાં ફૂલો ગણવાના હોય છે તારે
-અથવા તું હોય છે મારા સ્મરણમાં લીન

એય, તું ‘પ્રિયતમ’ એવા સંબોધનથી
શરુ કરેલી પત્ર પૂરો થાય એ પહેલાં
વિચારોમાં ખોવાઈ ન જતી…

તું મારા લકવાગ્રસ્ત હાથનો શણગાર,
મારા ઠંડા લડતા જતા હાથોની ઉષ્મા તું…

ઘડીઘડી પ્રત્યંચાની જેમ 
ખેંચાઈને શિથિલ થાય છે શરીર,
લક્ષ્યવેધી તીર પેઠે
ઘડીક મન
તો ઘડી જીવ છૂટ્યા કરે છે
ભીંતે ટીંગાડેલી તારી
પીળી પડતી જતી છબી તરફ,
છબીમાં ઝબકતા તારા નિચ્છલ સ્મિત તરફ.

ખરું કહું છું
તારા વિના દેહ જાળવવાનો મારો આ
અપરાધ બહુ લાંબો નહિ ચાલે. 
– રમેશ પારેખ

Leave a Comment

error: Content is protected !!