રાજેશ રાજગોર – રાજન

Share it via

(1) ‘હું’

‘હું’ જ છું જે પ્રાપ્ત છું ને પ્રાપ્ય છું
‘હું’ જ ‘હું’માં ત્યાગ છું ને ત્યાજ્ય છું

‘હું’ જ ‘હું’ જો હોઉં તો શું ત્યાગવું
‘હું’ અને ‘તું’ જો અલગ, ‘હું’ ત્યાજ્ય છું

શોધતો તો બહાર જે ખુદમાં મળ્યું
‘હું’ જ ‘હું’નું ‘હું’ જ મુજમાં ભાગ્ય છું

એજ ‘હું’ને એજ ‘તું’ ને ‘હું’ જ ‘તું’
દ્વૈત થી અદ્વૈતનું ‘હું’ કાવ્ય છું

‘હું’ વધ્યો વિસ્તીર્ણ થઇ ફેલાયો બહુ
છું સમાયો ‘હું’માં ‘હું’ સંભાવ્ય છું

જે હતું મારું બધું છોડી દીધું
‘હું’ રહ્યો બાકી હજુ ‘હું’ ત્યાજ્ય છું

‘હું’ જ ‘હું’ છું વ્યાપ્ત સર્વત્ર બધે
ભીતરે ‘તું’ સાંભળે ‘હું’ શ્રાવ્ય છું

‘હું’ જ ‘હું’ થી બાદ થાતાં શેષ ‘હું’
‘હું’ જ “રાજન” ઈશથી અવિભાજ્ય છું

(2) કોણ જે નડતો મને

બેહોશ રહેવા દો મને એ હાલમાં જડતો મને
કે હોશમાં આવ્યા પછી તો શોધવો પડતો મને

બસ હોંશમાં રહેવું નથી બીજું કશું કહેવું નથી
મારે મને ખોવો નથી જોવો નથી રડતો મને

મારો સૂરજ મારી ભીતર આવી ઠર્યો ઠીકરૂં થયો
થીજયો ભલે પણ આગ છું ભીતરથી ના અડતો મને

તારા ઘણાં ઉપકાર છે ઈશ્વર ગણું હું કેટલા
ટીપી ટપારી પીડતો કેવું સરસ ઘડતો મને

મારા વિના મારા વિચારો કોઈ ના બદલી શકે
“રાજન” હવે સમજી ગયો હું કોણ જે નડતો મને

નામ :- રાજેશ રાજગોર – રાજન
ઉમર :- 50 વર્ષ
રહેઠાણ:- દહિસર, મુંબઈ 400 068.
વ્યવસાય:- એકાઉન્ટ્સ મેનેજર (પ્રાઇવેટ કંપનીમાં )

  • ફિલ્મ – ટીવી શ્રેણી કથા પટકથા સંવાદલેખક, ગીતકાર
  • વર્ષ 2004 માં મારો પ્રથમ કાવ્ય સંગ્રહ “ને તે છતાં” એન.એમ. ઠક્કરની કું. મુંબઈ દ્વારા પ્રકાશિત..
  • ગુજરાતી સાહિત્ય સંસદ, કલા ગુર્જરી, મિડ ડે ગુજરાતી દ્વારા કવિતા ક્ષેત્રે કરેલ પ્રયાસ માટે પુરસ્કૃત..
  • આકાશવાણી મુંબઈનો પૂર્વ ઉદ્ઘોષક, એપ્રુવ્ડ આર્ટિસ્ટ – “B” શ્રેણી

Leave a Comment

error: Content is protected !!