વિસ્થાપન – રમણીક અગ્રાવત

Share it via

કહે છે વરસભરમાં
શરીરની સમૂળી ચામડી
બદલાઈ જાય છે.

કહે છે એકની એક નદીમાં
આપણે બીજી વખત
નહાઈ શકતા નથી.

નામ-અટક-ગોત્રધારી હું
એનો એ જ વસું છું
આ બદલાતા શરીરમાં?

વયના વહેણમાં વહેતું શરીર
આમ કહ્યાગરું છે
આમ કહ્યાબારું છે.

મારામાંથી એક ઊછળતો કૂદતો છોકરો
ક્યાં જતો રહ્યો?
ક્યાં સરી ગયો
એ તરલ દીસતો તરુણ?
ગાલની સાચવેલી કુમાશ લઈ
કઈ તરફ વળ્યો એ યુવાન?
બધું જ સરળ કરી નાખવાની
તાલાવેલીમાં રચ્યોપચ્યો સ્થિતિજડ
કોને તાકી રહ્યો છે આ ક્ષણે?

હજી પકડું ન પકડું ત્યાં
કશોક ભાવ પણ
રહી જાય અશબ્દ.

રમણીક અગ્રાવત

Leave a Comment

error: Content is protected !!