સતત ઝળહળ્યા કરો – શબનમ ખોજા

Share it via

બાકી રહી ન ઝંખના, તારા અભાવમાં
બસ એટલો ફરક પડ્યો મારા સ્વભાવમાં.

ડૂબાડીને મને, રહે શાને તણાવમાં ?
મેં ક્યાં કહ્યું’તું કે મને બેસાડ નાવમાં !

પાણીએ એને એવું તે શું કહી દીધું હશે ?
આ માછલી કાં તરફડે આજે તળાવમાં?

એવી સ્થિતિ ન દેજે મને કોઈ દી’ ખુદા
એનાથી દૂર થાઉં હું બેહદ લગાવમાં.

મારા જીવનમાં એમ છે જોડાણ આપનું
પીડાનું સ્થાન જેમ કોઈ તાજા ઘાવમાં

મંઝિલ નહીં મળ્યાનો કોઈ રંજ ક્યાં રહ્યો?
ઇચ્છયું હતું એ પામી લીધું મેં પડાવમાં !

પોતીકું તેજ લઈને સતત ઝળહળ્યા કરો,
સામે ભલે હો સુર્ય, ન આવો પ્રભાવમાં.

શબનમ ખોજા

Leave a Comment

error: Content is protected !!