સહી નથી – જલન માતરી

Share it via

મજહબની એટલે તો ઈમારત બળી નથી
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરઆનમાં તો ક્યાય પયગંબરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાની નથી.

ડુબાડી દઈ શકું છે ગળાડૂબ સ્મિતને,
મારે કને તો અશ્રુઓની કંઇ કમી નથી.

ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

જલન માતરી

Leave a Comment

error: Content is protected !!