સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી

Share it via

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી
નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,

જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !

કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

– અનિલ જોશી

(કવિશ્રી અનિલ જોશીને જન્મ દિવસની શુભકામનાઓ)

1 thought on “સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી”

Leave a Comment

error: Content is protected !!