હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી

Share it via

હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..

1 thought on “હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી”

Leave a Comment

error: Content is protected !!