હું દરિયાની માછલી! -ઝવેરચંદ મેઘાણી

Share it via

દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લે’તી
હું દરિયાની માછલી!

હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી!

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી! -દરિયાના…

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

છીપલીની છાતીઓથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી!

-ઝવેરચંદ મેઘાણી

Leave a Comment

error: Content is protected !!