કેન્સરગ્રસ્ત પુત્રના પિતાની વેદના – યોગેશ પંડ્યા

Share it via

ધીરે ધીરે મારે આંગણ ઊતરે છે અંધારાં,
આ છાનાછપનાં કોના પગરવના છે ભેદી ભણકારા…
ધીરે ધીરે મારે આંગણ…

રોજરોજ મારા ફળીયેથી એકેક સૂરજ બુઝાતો,
ફડફડ થતો દીવો જીવનો, એવો વાયરો વીંઝાતો
રગરગ ઊભા જન્માંતરના જીવલેણ મૂંઝારા..

ધીમે ધીમે ઓરા આવી ઊભાછે કાળા પડછાયા,
શ્વાસ ઊભા છે ચિઠ્ઠી લઈને આકળવિકળ થઇ રઘવાયા,
કાળજ ઉપર તડફડ થાતા પીડાના છમકારા…

અંધારા ઊતરિયાં છાનાં અજવાળાં આથમિયાં રે
હાલકડોલક થાય તરાપા, ડચકે ચડિયા દરિયા રે
આભ વચ્ચોવચ્ચ સૂરજ ડૂબ્યો, દરિયે ડૂબ્યા ધબકારા…

આજ સગાઇ અધવચ્ચ છૂટી ફૂટ્યું એનું બચપણ રામ,
હજુ છોડવો ઊગ્યો, ત્યાં તો મૂળથી ખૂટ્યું અંજળ, રામ !
રામ ! હવે શું કહેવું મારે ? કડવા થઇ ‘ગ્યા જન્મારા…!

યોગેશ પંડ્યા

error: Content is protected !!