મોરલા હો ! મુંને થોડી ઘણી
તારો આપ અષાઢઢીલો કંઠ;
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.
ઇંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
એક માંગુ લીલું બુંદ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !
મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર:
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.
ઘોર સિંધુ ! તારા વીંઝણાનું નાનું
આપજે એક કલ્લોલ :
હૈયું એક નીંદવિહોણું –
ભાલે એને વાયરો ઢોળું.
રાતરાણી ! તારા ઝાકઝમાળાનું
મારે નથી કાંઇ કામ :
ગાઢ અંધાકાર-પછેડા
ઓઢાળી દે ઊંઘનું વેળા