વગર ગુનાની સજા મળી છે. – મનોજ ખંડેરિયા

Share it via

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,
કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે.

વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.

ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્ર્યા બધાને કિંતુ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે.

સમજ હતી ક્યાં અમોને એવી પૂરી દીધા છે શીશામાં જિનને,
રમત રમતમાં જ બંધ ઢાંકણ ઉઘાડવાની સજા મળી છે.

– મનોજ ખંડેરિયા

error: Content is protected !!