વરસાદી રાતે – રાવજી પટેલ

ઈશાની પવન મારા છાપરાના નળિયાને
ઊંચું-નીચું કર્યા કરે.
નળિયાની નીચે મારી ઊંઘ પણ પીંછા જેવી
આઘીપાછી થયા કરે.
નાનો ભાઈ બચ બચ ધાવે,
બચકારે બચકારે અંધકારનો મોલ હલે.
સ્હેજ વળી ફણગાની જેમ કૂંણું કણસીને
બચ બચ પીધા કરે માયાળુ ખેતર.
મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે.
એની પર પંખીઓનાં પીંછાં સ્હેજ ફરફરે.
આખો દહાડો ઢેફાઈ કુટાઈ-
મા
પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી.
મારા બાવડામાં દિવસ, બળદ, હળ;
બારે મેઘ પોઢ્યાં
નળિયાની નીચે મારી ઊંઘ
પીંછાં જેવી આઘીપાછી થયા કરે…

Leave a Comment

error: Content is protected !!