સાંભળ સજની જી – દયારામ

Share it via

‘સાંભળ રે તું સજની માહરી, રજની ક્યાં રમી આવી જી?
પરસેવો તને ક્યાં વળ્યો? તારી ભમ્મર ક્યાં ભિંજાણી?
સાચું બોલો જી’

‘વનમાં હું તો ભૂલી પડી ને અતિશે મૂંઝાણી જી,
પરસેવો મને ત્યાં વળ્યો, મારી ભમ્મર ત્યાં ભિંજાણી.
સાંભળ સજની જી’

‘કાલે મેં તારી વેણી ગૂંથીતી, છૂટી કેમ વિખરાણી જી?
એવડી ઉતાવળ શી પડી જે ઝૂલડી નવ બંધાણી?
સાચું બોલો જી’

‘કાળો ભમરો શિર પર બેઠો, ઉરાડતાં સેર છૂટી જી
જેમ તેમ કરીને બાંધતા વચમાંથી નાડી તૂટી.
સાંભળ સજની જી’

‘આ ચોળી અતલસની પહેરી, સૈયરે વખાણી જી,
ચોળીની કસ ક્યાં તૂટી ? તું આવડું ક્યાં ચોળાણી?
સાચું બોલો જી.’

‘હૈયું મારું દુ:ખવા આવ્યું, વાએ કરીને કાંપ્યું જી;
પીડા ટળવા કારણે મેં કળે કરીને ચાંપ્યું;
સાંભળ સજની જી’

‘આવડાં પુષ્પ ક્યાંથી વાટે, તુજને કોને આપ્યાં જી;
એવો રંગરસિયો કોણ મળિયો? પ્રેમે કરીને થાપ્યાં?
સાચું બોલો જી.’

‘સૂરજ કળાએ હું જાતી હુતી, વાટે મળ્યા વનમાળી જી;
સમ ખાઈને મને તેણે આપિયાં, તેની પ્રતિજ્ઞા પાળી.
સાંભળ સજની જી.’

‘અવળો ચણિયો કેમ પહેર્યો? જેમ તેમ વીંટી સાડી જી;
સજક થઈને સુંદરી હવે વસ્ત્ર પહેરોને વાળી,
સાચું બોલો જી’

‘સાથ ના સઈઅરે કીધો, ઉતાવળી વેગે ચાલી જી;
અવળો ચણિયો પહેરી દીધો, હવે વસ્ત્ર પેહેરીશું વાળી.’
સાંભળ સજની જી.’

‘નીકળી હતી તું સઉથી પહેલી, સાથ અમારો મેલી જી?
પછવાડે તું રહીને હવડાં, ક્યાંથી આવી છેલી?
સાચું બોલો જી’

‘નીકળી હતી હું સૌથી પેહેલી, સાથ સૈયરનો મેલી જી,
વાટે હું ભૂલી પડી ગઈ, ત્યાં જય બેઠી વ્હેલી.
સાંભળ સજની જી.’

‘કસ્તુરી અંગે બેહેકે છે, આ વનમાં કોણે છાંટી જી?
સરવે શરીરે તારે વ્યાપી રહી છે, તે કેમ જાયે ઢાંકી?
સાચું બોલો જી’

‘મૃગશલ્યાએ મૃગલો બેઠો. તેણે મેં જઇ ઝાલ્યો જી,
તેની વાસના મારા અંતરમાં પેઠી, તેનો સુગંધ ચાલ્યો.
સાંભળ સજની જી’

‘અધર દંત બેઠા દીસે છે, છાતીએ નખ વાગ્યા જી,
તારુણી તારા મનમાં પેઠી, કામબાણ ક્યાં વાગ્યા?
સાચું બોલો જી.’

‘મધુરાં વાયક પોપટ બોલ્યો, તેને મે જઇ ઝાલ્યો જી,
ચંચળ ચાંચ ભરીને ત્યાંથી તતક્ષણ ઊડી ચાલ્યો જી’
સાંભળ સજની જી’

‘શ્યામસુંદર તને મળ્યા દીસે છે, તે અંગે તું પરસાઇ જી,
જે જે પૂછું તેનો ઉત્તર આપે, એ બધી તુજ ચતુરાઇ.
સાચું બોલો જી.’

‘જે વાટે હરિ મળ્યા હીએ, તે વાટે નવ જાવું છું,
આજ વાટે હરિ મળ્યા હોય. તો કહો તેવા સમ ખાઉં જી.
સાંભળ સજની જી.’

‘મારે એવી પ્રતિજ્ઞા જે પરપુરુષ ભાઈબાપજી,
દાસ દયાના સ્વામીને ભજતાં, ટળે તાપ ને પાપ.
સાંભળ સજની જી.’

દયારામ

Ajanta Oreva Round Plastic Wall Clock

Leave a Comment

error: Content is protected !!