અજાયબ ચીજ ન્હૈ? – ચિનુ મોદી

Share it via

આ સ્મરણ પણ છે અજાયબ ચીજ ન્હૈ?
ત્રાટકી પડનાર કોઈ વીજ, ન્હૈ?

આટલો મબલક અહીં અંધાર છે
ભૂલથી વાવ્યું હશે મેં બીજ, ન્હૈ?

જળકમળવત લેખતો હું જાતને-
પાણીમાં પધરાવી દઉં આખી જ, ન્હૈ?

કેમ દેખાયો નહીં હોવાં છતાં?
આડી આવી જાત પોતાની જ, ન્હૈ?

જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો
આપનો ‘ઈર્શાદ’ આ નાચીજ, ન્હૈ?

ચિનુ મોદી

Leave a Comment

error: Content is protected !!