અફવાઓ – ભરત વિંઝુડા

Share it via

હ્રદયને હચમચાવી નાંખનારી કંઇક ઘટનાઓ,
બને, એવી રીતે ઊડ્યાં કરે છે રોજ અફવાઓ.

તમે જે કંઇ જુઓ છો એ ફક્ત જોતાં જ રહેવાનું,
કશું કરવાને માટે બહાર પડતાં હોય ફતવાઓ.

મકાનો, માણસો, વૃક્ષો, પશુ પંખીઓ સઘળું છે,
અને લાગ્યાં કરે તે ચીતરેલા માત્ર પરદાઓ.

અહીં ધરતીથી ધરતી ખૂબ છેટી કેમ લાગે છે ?
અડે છે એક-બીજાને અહીં સાતે ય દરિયાઓ.

અહીંથી આ નગર ને તે નગર ઘૂમીને થાક્યો છું,
કે જાણે જોઈ લીધી હોય મેં બે-ચાર દુનિયાઓ !

હવે તો રાત આખી ઊંઘ આવે છે મરણ જેવી,
અહીંથી દૂર ભાગે છે હવે સઘળાંય સપનાઓ.

ભરત વિંઝુડા

Leave a Comment

error: Content is protected !!