અમે ન્યાલ થઈ ગયા – અદમ ટંકારવી

Share it via

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

ડહાપણને રામ રામ ! અમે ન્યાલ થઈ ગયા,
દિવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા.

યુગ યુગની આ તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જખ્મ, અમે ન્યાલ થઈ ગયા.

છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

અદમ ટંકારવી

મૂળ નામ : આદમ મુસા પટેલ
જન્મ તારીખ : 27/09/1940
કાવ્યસંગ્રહ : સંબંધ – 1971
‘અદમ ટંકારવીની ગઝલોની ચોપડી’ – 1997

Leave a Comment

error: Content is protected !!