સખી રી ! આંબો મ્હોરિયો !
સખી મેં તો વાવ્યો છે અમરત આંબલો,
સખી એ તો પૂગ્યો ઊંચે રે આકાશ, જયાં ધવલ પ્રકાશ ;
સખી રી ! આંબો મ્હોરિયો !
સખી એને નિરમળ નીરે સીંચિયો,
સખી એને આતમે આપ્યો પ્રકાશ, થયો રે અંજવાસ ;
સખી રી ! આંબો મ્હોરિયો !
સખી એનો સ્વાદ અનેરો જાણવો,
સખી જેને ચાખ્યો મીરાં નરસિંહ ને સૂર કબીર ;
સખી રી ! આંબો મ્હોરિયો !
સખી એક કાચી તે માટીનું કોડિયું,
સખી એમાં અખંડ જલે એક દીપ, માંડી રે મેં તો મીટ ;
સખી રી ! આંબો મ્હોરિયો !
સખી કંઈ કોટિક કૌતુક થઈ રહ્યાં,
સખી અદ્ભૂત આનંદ થાય, એ ઘટમાં ન માંય ;
સખી રી ! આંબો મ્હોરિયો !
– ડૉ. ચેતના પાણેરી.