આદમથી શેખાદમ સુધી

Share it via

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી

એ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી

રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ
એ જ છે (લાગી શરત )આદમથી શેખાદમ સુધી

મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી

ફૂલોમાં ડંખો કદી ક્યારે કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી

બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારા બધે
એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી

બુદ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો ,
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી,
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી,

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એકમત આદમથી શેખાદમ સુઘી

કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી

રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠયું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી

શેખાદમ

આબુવાલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન, ‘શેખાદમ’ 

(૧૫-૧૦-૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫) : કવિ, નવલકથાકાર. અમદાવાદમાં જન્મ. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી પશ્ચિમ જર્મનીમાં નિવાસ. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત આવ્યા પછી પત્રકાર રહ્યા. આંતરડાની બીમારીથી અવસાન.

‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. ‘અજંપો’ (૧૯૫૯), ‘હવાની હવેલી’ (૧૯૭૮), ‘સોનેરી લટ’ (૧૯૫૯), ‘ખુરશી’ (૧૯૭૫), ‘તાજમહાલ’ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધનીય છે.

Leave a Comment

error: Content is protected !!