આપી આપીને તમે પીંછું આપો

Share it via

આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યો
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપી ને તમે આંસુ આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

1 thought on “આપી આપીને તમે પીંછું આપો”

  1. અદભુત કાવ્ય..! ખરેખર ખૂબ જ સુંદર.

    Reply

Leave a Comment

error: Content is protected !!