એની આખી નમણાશ અમે સહેતા ગયા – ધ્રુવ ભટ્ટ

Share it via

તમે બોલ્યા વિનાયે કંઇક કહેતા ગયાં
એની આખી નમણાશ અમે સહેતા ગયા

ફાગણમાં એક ફૂલ ખીલે છે મૌન છતાં ગજવે છે વગડો કલશોરમાં
એવો વહેવાર તમે બિડેલા હોઠ થકી રમતો મૂક્યો છે નર્યા તોરમાં
સાંભળો તો, શબ્દોને ગણનારા લોક અમે અણજાણ્યા વાયરામાં વહેતા થયા
એની આખી નમણાશ અમે સહેતા ગયા.

આંગણામાં આપે જે પગલાંની છાપ એને આયખાના કોલ અમે આપીએ
બોલ્યા વિનાની તમે માંડી તે વારતમાં સાત સાત અવતારો માગીએ
વાવ્યો નથી ને એક ઊગ્યો તે છોડ જોઈ આર-પાર જંગલમાં રહેતા થયા
એની આખી નમણાશ અમે સહેતા ગયા.

ધ્રુવ ભટ્ટ

`સમુદ્રાન્તિકે’ ધ્રવ ભટ્ટની મનોરમ રચના છે. 1993માં પ્રગટ થયેલી, માસ્ટર પીસ ગણાતી આ રચના સૌરાષ્ટ્રના સમુદ્ર તટે સર્વેના કામ માટે નિમાયેલા યુવાન સિવિલ ઈજનેરના સંસ્મરણો રૂપે લખાઈ છે. કથના કેન્દ્રમાં આધુનિક જીવનશૈલી અને પરંપરાગત મુલ્યોનું સમતોલન કરવાની તડપ છે. પાત્રો, પ્રસંગો, સ્થળો અને લોક જીવનને વણી લેવા ઉપરાંત આ કથામાં ધ્રુવ ભટ્ટે પોતાની સંવેદનશીલતા ઉમેરીને ભાવકને જકડી રાખે તેવું સર્જન કર્યું છે. ભાવકને, સમુદ્ર અને તેની આસપાસની પ્રકૃતિ પણ પાત્ર તરીકે દેખાયા વગર રહેતાં નથી.

Leave a Comment

error: Content is protected !!