કવિનું કર્મ અને કવિનો ધર્મ : સત્તાને સત્ય કહેવું ! – ચંદ્રકાંત બક્ષી

Share it via

ફેક્સના જમાનમાં પ્રેમપત્રની વાત કરવા જેવુ જ અસંગત લાગે છે, ઇન્ટરનેટના જમાનામાં કવિતાની વાત કરવી. પણ કવિતા 2000ના વર્ષમાં અસાંદર્ભિક નથી. ટેકનોલોજી કે ડિજિટલ તંત્રજ્ઞાન જિંદગીનો કબજો કઈ લેશે તોપણ મનુષ્યજાતિ કવિઓ અને કવિતા માટે ચાહના પેદા કરનારા ચાહકો પેદા કરતી રહેશે. જ્યાં સુધી મોટી વયે પણ વિસ્મય થઈ શકશે ત્યાં સુધી કલાકાર પ્રકટ થતો રહેશે. ઇતિહાસ અને કવિતા બે પ્રાચીનતમ કલાસ્વરૂપો છે, ઇતિહાસને મૃત્યુ નથી કારણ કે એ જીવંત ભૂતકાળ છે, કવિતા સતત ભવિષ્યગામી છે, એનું ગંતવ્ય આકાશનાં વાદળોની પાછળ છે.

ઓશો રજનીશે એક વાર અર્થભેદ સમજાવ્યો હતો, કવિ અને ઋષિનો, વિશ્વની બધી જ ભાષાઓમાં કવિ શબ્દ છે, પણ ઋષિ શબ્દ નથી. બંનેનો અર્થ લગભગ એક જ છે, પણ જરા તાત્વિક અંતર છે. કવિને સત્યની થોડી થોડી ઝલક મળતી રહે છે, ઋષિ એ છે જે સત્યમાં અટકી ગયો છે. કવિ દૂર હિમાલયનાં શૃંગોને જોઈ શકે છે, ઋષિ ત્યાં જ નિવાસ કરે છે. આ જ ફર્ક છે કવિતામાં અને ઋચામાં, ઓશોની દ્રષ્ટિએ કવિની અંદર ફૂલ ખીલે છે. ઋષિ સ્વયં ફૂલ છે. (‘ફૂલ ખીલવા’ એ રજનીશનો પ્રિય તકીયાકલામ છે.)

ડેનિસ લેખિકા આઇસેક ડીનેસને ‘શેડોઝ ઇન ધ ગ્રાસ’ આત્મકથામાં એક સત્ય લખી નાંખ્યું છે, બધાં જ મૂળિયાં અંધકારને શોધતાં રહે છે ! કવિ-લેખકને માટે અંધકાર સત્ય છે ? કલાકાર દંતકથાનો એ સર્પ છે, જે પોતાની પૂંછડી ખાતો રહે છે. પ્રતિષ્ઠા, સૌનાં, સમ્માન…અને સર્પ પોતાની પૂંછડી ગળતો ગળતો રૂંધાઈને મૃત્યુ પામે છે. કવિતા શું છે ? ડોં. જહોનસને બોઝવેલને કહ્યું કે કવિતાની વ્યાખ્યા હું નહીં બાંધું, પણ એ શું છે, એના કરતાં એ શું નથી એ કહેવું વધારે સહેલું છે ! પ્લેટોએ એના આદર્શ રાજયમાંથી કવિને દેશનિકાલ કરવાની સલાહ આપી હતી, અને ફ્રેડ્રિકમ ધ ગ્રેટે કહ્યું હતું કે જ્યારે હું મારા કોઈ સૂબા કે પ્રાંતને સજા કરવી હોય ત્યારે એના સૂબેદાર તરીકે કવિ કે લેખકને મોકલું છું.

કવિતાના અગાધ સમુદ્રને સમજવાનનું કામ અઘરું છે, અને કવિતાને ‘સમજવાનું’ કામ કવિનું નથી, એ સર્જક છે, એનું કામ સરજવાનું છે. કવિ માતા છે, ગાયનેકોલોજિસ્ટ નથી. માતા નવજાત શિશુને સ્તનપાન કરાવી શકે છે, રડતા શિશુને શાંત કરી શકે છે, પણ સ્તનમાથી દૂધસ્ત્રાવ કઈ રીતે થાય છે અને કયાં ક્યાં દૈહિક પરિબળો કામ કરે છે એ સમજવાનું કે સમજાવવાનું કામ માતાનું નથી. આનાટોક ફ્રાંસે ‘ધ ગાર્ડન ઓફ એપિક્યુરસ’માં લખ્યું છે “ કવિઓએ પોતાની કલાના કાયદારો વિશે ક્યારેય તર્ક કરવા જોઇએ નહીં. એક વાર કવિઓ એમની નિર્દોષતા ખોઈ નાખે છે, બધે ચાર્મ ચાલ્યો જાય છે, એ લોકો પાણીમાંથી ભહાર થિયરી અને સિધ્ધાંતોની રેતીમાં ફેંકાઇ ગયેલી માછલીઓની જેમ અસહાય તરફડવા લાગે છે.

કવિતા શું છે એ વિશે કવિઓમાં પણ સાત્ત્વિક મતાંતર રહેવું સ્વાભાવિક છે. રોબર્ટ ફ્રોસ્ટને મુક્ત છંદ અને અછાંદસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે એ તો નેટ વિના ટેનિસ રમવા જેવી વાત છે ! કવિતાનો અનુવાદ ? રોબર્ટ ફ્રોસ્ટનું વિધાન : અનુવાદમાં જે ખોવાઈ જાય છે એ જ કવિતા છે ! કેટલાક ગુજરાતી કવિઓની કવિતા વાંચ્યા પછી પણ એમ જ લાગે છે કે અહીં જે ખોવાઈ ગયું છે એ જ કવિતા છે. પણ ગુજરાતી કવિતાઓ જાડી મદ્રાસી ફિલ્મ એક્ટ્રેસોની જેમ શા માટે એક જેવી જ લાગે છે ?

સર ફિલિપ સીડનીએ લખ્યું છે કે કવિતા અથવા પોએટ્રી મૂળ ગ્રીક ‘પોઇઇન’ (POIEIN) પરથી આવે છે, અર્થ થાય છે બનાવવું, સર્જવું ! કવિતા અન્ય કલાશાખાઓથી જુદી એ રીતે પડે છે કે અન્ય કલાઓ અને વિજ્ઞાનો પ્રકૃતિને અનુસરે છે જ્યારે કવિ પોતાની કલ્પનાથી એક પ્રકૃતિ કલ્પે છે, એવી પ્રકૃતિ જેમાં કવિએ કલ્પેલાં કે સર્જેલાં પાત્રો છે, હીરો, ઈશ્વરો, રાક્ષસો, પ્રેતો, વિધાતા, આદિ. કવિનું રાશિવર્તુળ ભિન્ન છે. માટે જ કદાચ 14મી અને 15મી સદીમાં કવિ માટે ‘મેકર’ અથવા બનાવનાર શબ્દ વપરાતો હતો. કવિતાથી વિમુખ ફીકશન એટલે કે ગદ્ય-નવલકથા શબ્દ લેટિન પરથી આવે છે, અને એનો અર્થ પણ બનાવવું, એવો થાય છે પણ એમાં થોડો કૃતકભાવ નિહિત છે. અને સાહિત્ય સાથે સંકળાયેલો ‘ઈસ્થેટિક્સ’ શબ્દ સર્વ પ્રથમ જર્મન ફિલસૂફ બોમગાર્ટને વાપર્યો હતો અને ઇનો અર્થ ‘ક્રિટિસિઝ્મ ઓફ ટેસ્ટ’ અથવા રુચિસમીક્ષા થતો હતો. મૂળ ગ્રીક ધાતુ એઇસ્થેટોસ છે, અર્થ થાય છે : ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલું.

અને વિવેચક માટે કવિતા સમજાવી-સમજાવવી દુશ્કર કામ છે કારણ કે વિવેચક પાસે માત્ર પરિભાષા હોય છે, વિવેચકને માતૃભાષા હોતી નથી. કવિનું કામ બાઇબલમાં આપેલા આદેશ જેવું ખતરનાક હોય છે. બાઈબલમાં હિદાયત છે : સત્તાને સત્ય કહેવું ! આજ જ મૂલાધાર કવિકર્મ છે અને કવિધર્મ છે. અનૂકુળ સ્થિતિમાં રાજનીતિજ્ઞ પ્રજાનો રહનુમા અને અમીરે-કારવાં બની જાય છે, પણ જ્યારે તોફાની હવાઓ ફૂંફાવી શરૂ થાય છે અને આબોહવા પ્રતિકૂળ થાય છે ત્યારે કલાકારે, એટલે કે કવિ-લેખકે ત્રસ્ત-ગ્રસ્ત પ્રજાની ઇમોશનલ રહનુમાઈ કરવાની હોય છે. ઘણી વાર આ રહનુમાઈ અથવા નેતૃત્વ અનાયાસ થઈ જતું હોય છે. કવિ દ્રષ્ટા બને છે, એક દ્રશ્ય પ્રસ્તુત કરે છે અને પ્રજાને દ્રષ્ટિ મળે છે. જે હયાત છે અને આકારસ્થ અને શબ્દસ્થ બનાવે છે. એ સાંપ્રતને સનાતન બનાવી શકનાર જાદૂગર છે. કવિતાનું એક સૂક્ષ્મ ભ્રાતૃત્વ હોય છે. ઝીમ્બામ્બ્વેમાં કવિ ચેન્જેરાઈ હોવે એના આફ્રિકન વેદના વિશે લખે છે ત્યારે આપણી સૂકી આંખોમાં 2000 ના વર્ષના ગુજરાતના ગરીબ માણસના અન્નજળનો દુકાળ કેમ લરઝી જાય છે ? ઝિમ્બાબ્વેનો કવિ લખે છે : એ ઉંદરનું ઘર/જ્યાં પતિ, પત્ની, બાળક, હાંડલું, આગ, મકાઇનું પાણી/બધાં એક જ સાદડી પર ભાગ પડાવી રહ્યાં છે/ અને માતાના સ્તનની ખાલી થઈ ગયેલી ડીંટડી/ભૂખ્યાં પેઢાંઓને જરા શાતા આપે છે એ બાળકો જે ફેકાયેલાં બિલટોંગની જેમ પડ્યા છે.

અને માત્ર રુરુદિષા, સતત રડતા રહેવાની વૃતિ, એ કવિતાનો આત્મા નથી, કવિતાને જિજીવિષા સાથે સંબંધ છે, જીવતા રહેવાની, જીવવાની ઈચ્છા, એષણા, અભિપ્સા, નિર્ધાર, કેટલાક ગુજરાતી કવિઓમાં મુખ્ય ધારાથી હટીને સતત રડતાં રડતાં, લેબલો ચોંટાડેલી કવિતાઓ બનાવતા રહેવાની એક નેગેટિવ રુગ્મવૃત્તિ ઊભરાતી જાય છે. આફ્રિકન માણસને બેશુમાર, અને આપણી દ્રષ્ટિએ લગભગ અકલ્પ, અવર્ણનીય દુ:ખો પડ્યાં છે પણ આફ્રિકન કવિ લિયોપોલ્ડ સેંધોર, જે સેનેગાલના રાસ્ટ્રપતિ તરીકે 20 વર્ષ, 1960થી 1980, રહ્યાં છે અને આફ્રિકા ખંડના શિર્ષસ્થ કવિઓમાંના એક અગ્રિમ કવિ છે, લખે છે : બી યીસ્ટ ટુ ધ વ્હાઇટ બ્રેડ ! શ્વેત રોટીના ખમીરા બનો ! સફેદ રોટીના ખમીરાને લીધે ઉફાન આવે છે. સેંધારે ‘નીગ્રીટ્યુડ’ની, કાળાપણાની ગર્વિતાની વાત કરી છે. અને આ નીગ્રીટ્યુડનો અદભૂત પર્યાય ડો. સુનીતિકુમાર ચેટરજીએ આપ્યો હતો : કૃષ્ણિમા ! આફ્રિકન કવિ ભવિષ્યપ્રેમી છે, ભૂતકાળના દમનને અહર્નિશ ખણતા રહીને પોતાના કવિકર્મને સાર્થક કરતો નથી. એક આફ્રિકન કવિએ કદાચ પૂરા આફ્રિકાના ભવિષ્ય માટે ગાઈ લીધું છે : પીઆનોની સફેદ કીઝ ઉપર કાળી આંગળીઓ મુલાયમ સ્પર્શ કરે છે અને એક આફ્રિકન ગીતનું નિર્માણ થાય છે.

ક્લોઝ – અપ


રહિમન સીધી ચાલ સોં, પ્યાદા હોત વઝીર – રહિમ
(અર્થ : રહિમ ! સીધી ચાલ ચાલનરું પ્યાદું (શતરંજમાં) વઝીર બને છે.)
(અભિયાન : જૂન 7, 2000)

Leave a Comment

error: Content is protected !!