વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ
ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ
બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો…
ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ
ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ
ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો…
ભગવતીકુમાર શર્મા