કાન, મને જોવા દે રૂપ છટા તારી,
કે નૈન મને શીદ દીધાં?
કાન, મને જોવા દે રૂપ છટા તારી,
કે નૈન મને શીદ દીધાં?
કાન, મને કરને હેતાળ વાત તારી;
કે કામ મને શીદ દીધાં ?
કાન, મને સૂંઘવા દે શીશ અંગ તારાં
કે નાક મને શીદ દીધું?
કાન, મને દેને આલિંગન તારું
કે તન મને કેમ દીધું?
કાન, મારી પૂરી કર કામના તારી
કે મન મને શીદ દીધું?
કાન, મને દેને ચિંતન એક તારું
કે અંતર તેં શીદ દીધું ?
કાન, મને કરને આ નારને તારી
કે નાથપણું શીદ દીધું?
કાન, તું તારી જાળવ પત પૂરી
કે જીવપણું શીદ દીધું?
કાન, મને કરવા દે સેવા સદા તારી
કે કાયા મને શીદ દીધી?
કાન, મને દેને સમજણ સહું તારી
કે મૂઢતા શીદ દીધી?
કાન, મને દેને આનંદની લ્હાણી
કે ઓછપ તેં શીદ દીધી?
કાન, મને સૂવા દે સંગમાં તારી
કે નીંદ મને શીદ દીધી?
કાન, મને ગળવા દે નૈબકી તું માં
કે હુંપણું શીદ દીધું ?
કાન, મને મરવા દે ખોળલે તારી,
કે મોત મને શીદ દીધું?
મૂકુંદરાય પારાશર્ય