કે ચાતક પીએ એંઠું પાણી! – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’

Share it via

અવગતની એંધાણી,
એ સંતો, અવગતને એંધાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.


રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી;
હે સંતો, તોય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એંઠું પાણી!


માનસર છોડીને આવ્યો શું હંસલો
માછલીએ મન આણી!
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી!
હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એંઠું પાણી!


કલિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય નો’તી મનમોલમાં એ થઈ
માયા આજ મહારાણી!
હે સંતો, આવે પ્રલય લો જાણી,
કે ચાતક પીએ એંઠું પાણી!

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’

Leave a Comment

error: Content is protected !!