ને પછી એવું થયું કે રાત વરસાદી હતી,
ને પછી રસ્તામાં એક પલળેલી શેહઝાદી હતી.
ને પછી એવું થયું કે બંને સ્વપ્નમાં મળ્યાં,
આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી.
ચંદ્રને પણ છત ઉપર ઊતરી જવાનું મન થયું,
ચાંદનીના સમ અગાશી એવી ઉન્માદી હતી.
હાર પહેરાવા જતાં ઓચિંતી આંખ ઉઘડી ગઈ,
ને પછી સ્વપનાએ કીધું ઊંઘ તકલાદી હતી.
ને પછી એવું થયું, લયલા કશે પરણી ગઈ,
ને પછી મજનૂની પણ બીજે દિવસ શાદી હતી.
આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર,
ને પછી જાણ્યું, હવા હોતે જ ફરિયાદી હતી.
ને ‘ખલીલ’ એવું થયું કે ક્યાંય ટાઢક ના મળી,
આમ તો છાતી ઉપર એક બર્ફની લાદી હતી.