ખુશીઓ લૂટાવી દીધી – વિહંગ વ્યાસ

Share it via

આવી ગયું છે એવું શું આજ સાંભરણમાં?

ખુશીઓ લૂટાવી દીધી સામા મળેલ જણમાં


અવ્યક્તની તો અમને ક્યાંથી ખબર પડે, પણ

મે સ્વાદ એનો ચાખ્યો પ્રત્યેક ધાન્યકણમાં


અલબત્ત ઓગળીને સાબિત કરી શકે તું

એની સમગ્રતાને તારા પૃથક્કરણમાં


ક્યારેક દુઃખની માફક સુખને સહન કર્યું છે

સમજાતું કંઇ નથી આ કુદરતની ગોઠવણમાં


જે પૂર્વસુરિઓએ કીધી યુગો યુગોથી

એ વાત મે કરી છે થોડી જુદી લઢણમાં


વિહંગ વ્યાસ

Leave a Comment

error: Content is protected !!