ખુશ્બૂનો કેવો રંગ છે પૂછો કબીરને,
ઓળખ ફૂલોની હોય છે વ્હેતા સમીરને !
આપે છે, એ જ હાથે બધું લેતો જાય છે
છોડે છે ક્યાં સમય કદી કંચન-કથીરને?
બોલે છે પાંચ તત્ત્વો સદા મુઠ્ઠી ધૂળમાં,
લીલા મળી છે શ્વાસની ખાલી શરીરને !
લજ્જા, શરમ, મલાજો, વિરાસત છે લોહીની,
સોગાત આપી તેં ખુદા મારા ઝમીરને !
બેસે કદી પતંગિયાં કાગળનાં ફૂલ પર,
મીરા તકાદો કરજે સમયના અમીરને !
ઘરની દીવાલ પર થશે પગલાં ઉજાસનાં,
આસિફ તું ભૂંસી નાંખ તમસની લકીરને !
આસિફ મીરા