ગઝલ ~ દિનેશ દેસાઈ

Share it via


વર્ષો પછીનું શ્હેર, ને લાગ્યું – તમે હશો,

ભૂલો પડું છું ઘેર, ને લાગ્યું – તમે હશો. 

ચ્હેરો જુઓ તો આમ ક્યાં બદલાયું છે કશું?

થોડો ઘણો છે ફેર, ને લાગ્યું – તમે હશો. 

કેવી હશે દીવાનગી, રસ્તા સુધી ગયા,

આવી પવનની લ્હેર, ને લાગ્યું – તમે હશો. 

ભૂલી ગયો’તો સાવ, કોઈ ચાહતું હશે,

ટહુકા મળે ચોમેર, ને લાગ્યું – તમે હશો. 

ને સાંભળે તો કોણ મારી વાત સાંભળે?

પડઘો બને ખંડેર, ને લાગ્યું – તમે હશો.

*દિનેશ દેસાઈ*
(જન્મ તા.૧૨ ઓગસ્ટ, ૧૯૬૮, અમદાવાદ)
૧૯૮૯થી ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહ્યા છે.

🍁

 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જુદા જુદા સામયિકોમાં ૬૫૦થી વધુ પુસ્તક વિશે તેઓએ લખેલા અવલોકન-વિવેચનના પુસ્તક પરિચયના લેખો પ્રગટ થયેલા છે.

🍁

 આ વિવેચનલેખોના ૩ પુસ્તક પ્રગટ થયા છે. જે ગુજરાતી સાહિત્યના M.A.- M.Phil કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યા છે.

🍁

 ગુજરાતી પત્રકારત્વમાં તેમણે જુદા જુદા ૧૦૦થી વધુ વિષય ઉપર લખેલા ૫,૫૦૦થી વધુ લેખ પ્રગટ થયા છે.

🍁

૧૯૮૯માં સમભાવ,
૧૯૯૦થી ૧૯૯૫ ગુજરાત સમાચાર,
૧૯૯૫-૯૬ મુંબઈ સમાચાર,
૧૯૯૬થી ૨૦૦૫ સુધી          જનસત્તા(ઈન્ડિયન એક્સપ્રેસ ગૃપ),
૨૦૦૬થી ૨૦૦૮ સંદેશ,
૨૦૦૮થી ૨૦૦૯માં Tv-9( નવી દિલ્હી-બ્યુરો ચીફ)
અને ૨૦૧૦માં “અભિયાન”ના ડેપ્યુટી એડિટર તરીકે પ્રદાન
બાદ ૨૦૧૧માં ગુજરાત સરકારમાં જોડાયા.

🍁

હાલ તેઓ “ગાંધીનગર સમાચાર”માં દર બુધવારે અને “મુંબઈ સમાચાર”ની રવિવારની પૂર્તિમાં કતારલેખન કરી રહ્યા છે.

🍁

સને ૨૦૦૧થી ૨૦૧૪ દરમિયાન હીરામણિ, ભવન્સ, યુનિ. NIMCJ સહિત સંસ્થાઓમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે પણ તેમનું પ્રદાન છે.

🍁

પત્રકારત્વની ૨૭ વર્ષની કારકિર્દીમાં તેઓએ સંખ્યાબંધ નવોદીત પત્રકારોને તાલીમ આપીને ઘડતર પણ કર્યું છે.

🍁

 પત્રકારત્વના તેમના ૩ પુસ્તક પત્રકારત્વ કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યા છે.

🍁

 પર્યાવરણ વિષયક એક પુસ્તક M.Sc. in Environment Science  કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યું છે.
(નામ- “પ્રદુષણથી બચીએ, પર્યાવરણને ઓળખીએ” ~ પાનાં – 400, કિંમત – રૂપિયા 250/-)

🍁

 ગ્રાહક સુરક્ષા વિષયક તેમનું એક પુસ્તક L.L.B – L.L.M કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યું છે.(નામ- “ગ્રાહક સુરક્ષા, ગ્રાહકના હાથમાં”)

🍁

 ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં મળીને તેમના કુલ  56 પુસ્તક પ્રગટ થયા છે.
જેમાં કાવ્ય, ગીત- ગઝલ સંગ્રહો, નવલકથા, નવલિકા, વિવેચન, જીવનચરિત્ર, કાયદો, પર્યાવરણ, લલિતનિબંધ, ગુજરાતલક્ષી, માહિતીલક્ષી વગેરે વિવિધ વિષય ઉપરના પુસ્તકોનો સમાવેશ થાય છે.

🎄

Leave a Comment

error: Content is protected !!